આત્મમંથન

Posted in મંદ on મે 2, 2010 by અખિલ સુતરીઆ

તા. ૦૨.૦૫.૨૦૧૦

ગઇકાલે ગુજરાત રાજયના ૫૦મા સ્થાપના દિનની ઉજવણી થઇ.

છેલ્લા સાતેક દિવસથી શહેરની તમામ સરકારી કચેરીઓ જેમકે, જીલ્લા સેવાસદન, જીલ્લા પોલિસ અધિક્ષકની કચેરી, શહેર પોલિસ સ્ટેશન, જીલ્લા પંચાયત, ન્યાયાલય, મામલતદાર કચેરી, વિશ્રામગૃહ, જીલ્લા વિકાસ અધિકારી નિવાસ સ્થાન, જીલ્લા કલેકટર નિવાસ સ્થાન, નગરપાલિકા કચેરી તેમજ વર્ગ ૧, ૨, ૩ અને ૪ ના કર્મચારીઓના આવાસોના રંગરોગાન થયા બાદ તેમને આસોપાલવના તેમજ વિજળીના તોરણોથી શણગારવામાં આવ્યા છે.

રાજયભરમાં તમામ જીલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષાએ પ્રજા માટે આ પર્વને ઉજવવાનો સરકારનો સંકલ્પ દેખાઇ રહ્યો છે…. વર્તમાન પત્રોમાં વંચાવાઇ રહ્યો છે. .. દૂરદર્શન દ્વારા દેખાડાઇ રહ્યો છે

રાષ્ટ્રને આઝાદ થયાને ૬૮ વરસ અને રાજયને અસ્તિત્વમાં આવ્યાને ૫૦ વરસ થઇ ગયાં. અત્યાર સુધીની તમામ સરકારોએ વિવિધ યોજનાઓ દ્વારા સમયના વહેણની સાથે પ્રગતિની દિશામાં ગતિ કરવા પ્રયત્નો કર્યા. વિકટ અને વિષમ પરિસ્થિતીઓમાં પ્રજાની સુખાકારી જાળવી રાખવા પ્રયત્નો કર્યા. તમામ પ્રસાર અને પ્રચાર માધ્યમો દ્વારા પ્રજાને જાણકારી અપાતી રહી કે, રાષ્ટ્ર અને રાજયનો વિકાસ કેટલો થયો છે. નફાની વાતો વધારે સારી રીતે રજૂ થતી રહી અને નુકશાન નજરઅંદાજ થતું રહ્યું.

સાડા પાંચ કરોડ ગુજરાતીઓના ગુજરાતે પ્રગતિની દિશામાં હરણફાળ ભરી છે અને તેના પાયામાં કોમનમેન છે એવું કહેવાતું રહ્યું છે.

પણ,

કોમનમેન તો,

મહેનતની મજદૂરી જેમ તેમ મેળવતો મહામહેનતે મન મનાવી રહ્યો છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

પોતાના પેટે પાટા બાંધી કરેલી પરસેવાની તમામ કમાણી પુત્ર કે પુત્રીના શિક્ષણ પાછળ ખર્ચીને આશા રાખી રહ્યો છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

સવારથી સાંજ સુધીની રોજીન્દી રઝળપાટમાં જ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સમાજવિદ્યા, ગણિત કે વિજ્ઞાનનો સીલેબસ પરસેવાના ટીપે નીતારીને વીચારી રહ્યો છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

પાણીથીય પાતળા પગારમાં જેના વગર જીવી જ ના શકાય તેવી મોંઘીદાટ થઇ ગયેલી ખાદ્યસામગ્રીઓ ખરીદવાની મથામણ કરી રહ્યો છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

આખા પરિવારના આરોગ્યને નબળી આવકમાં તંદુરસ્ત રાખવા થતી લમણાઝીંક અને રસાયણયુક્ત આહારથી આવી પડે તેવા દર્દોથી બચવાની મથામણ કરી રહ્યો છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

બોસને આપેલ અને બાળકોને અપાઇ ગયેલ વચન પાળવામાં કાયમ જ બાળકોનો ભોગ લેવાય એવા વ્યાવસાયિક અને પારિવારીક જીવનની અસમતુલા વચ્ચે અફળાઇ રહ્યો છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

વાહવાહ અને શાબ્બાશ જેવા મુલાયમ શબ્દો જ હવે છૂટથી વાપરી શકાય, તેનાથી ઘરનો ચૂલો નથી સળગવાનો એવી ખબર હોવા છતાં આશા રાખે છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

ચહેરા પર આનંદ સાથે કેરીગાળો કરવા આવેલા અતિથીનો આદર કરતી વખતે પોતાની આર્થિક ભીંસ સંતાડી દેતાં અપેક્ષા રાખી રહ્યો છે કે, કદાચ હવે સારા દિવસો શરૂ થશે.

કોમનમેન તો એમ જ માને છે કે, મારા રાષ્ટ્રની, મારા રાજયની, મારા ગામ કે શહેરની, મારા મહોલ્લાની સરકાર મારી કોઇ પણ જાતની આવક થાય તે પહેલા જ મારા વિકાસના નામે ગણ્યાગણાય નહિ તેટલી જાતના ટેક્ષના સ્વરૂપે ગમે તેટલા નાણા મારા ગજવામાંથી ખંખેરી લે, તો પણ શાંત જ રહેવું જોઇએ.

પછી,

ભલેને લાલપીળી લાઇટો વાળી મોટરો પેટ્રોલના ધૂમાડા કરતી દોડે, નેતાઓ લાખો રૂપિયાની વાતો ટેલિફોન પર કરે, તેમની સુરક્ષા પાછળ કરોડો ખર્ચાય અને આટઆટલા વર્ષો દરમ્યાન થયેલા તમામ કૌભાંડોને તપાસવાના તપાસપંચો પાછળ અબજોના આંધણ કરે.

છેવટે કોમનમેનને જોઇએ શું અને કેટલુ ?

૪૦ રૂપિયે કિલો ખાંડ ?
૨૪ રૂપિયે લીટર દૂધ ?
૪૫ રૂપિયે કિલો રસાયણવાળા લીલા દેખાતા શાકભાજી ?
૫૦ રૂપિયે લીટર પેટ્રોલ ?
૩૦ રૂપિયે બે દિવસની સાદી માંદગી દૂર કરવાની દવા ?
૧૨% ના દરે એજયુકેશન લોન ?
૯૦ રૂપિયાનો ઘેરબેઠા સાત્વિકતા વગરનો પરદેશી કંપનીએ બનાવેલ પીઝા ?
૧૫૦૦ રૂપિયે કિલો ના ભાવે બટાકાની કાતરીઓ ?
૩ રૂપિયે યુનીટના ભાવની વિજળી ?
૧૦૦ રૂપિયે કિલો ફરસાણ ?
૩૦ રૂપિયે કિલો કપડા ધોવાનો સાબુ ?
૨૦૦ રૂપિયે કિલો નહાવાનો સાબુ ?
૨૦૦ રૂપિયે લીટર વાળમાં નાખવાનું તેલ ?

જાતનો નહિ, એવાનો વીચાર કરજો જેને આજે પણ ગુજરાત એસટીની લકઝરી બસ તો ઠીક ગુર્જરનગરી પણ પરવડતી નથી.

બે બાળકોને વચ્ચે પાંચ રૂપિયા વાળો અડધો ગ્લાસ શેરડીના રસ ખરીદીને છેલ્લે પોતે વધેલા બરફના ટૂકડે ગળુ ભીંજવી લે છે.

બારમાસી પ્લાસ્ટીક કે રબ્બરના ચંપલ પહેરાવીને બળબળતા બપોરે બાળકોને ડામરની સડક પર દોરી જતા બાપને ખબર નથી બાટા કે રીબોક એટલે શુ ?

માર્ગદર્શન ગુજરાત યાત્રા દરમ્યાન નજરે જોયેલા, સ્વકાને સાંભળેલા અને જાતે કરેલા અનુભવે થયેલી વેદનાનો આ એક માત્ર અંશ છે.

ઘણા મિત્રોએ આગ્રહ કર્યો કે, મારે આ અનુભવ લખવા .. પણ, મારું દિલ ના પાડે છે. કારણકે, મને લખતા નથી આવડતું. અમે જોયેલી સીક્કાની બન્ને બાજુ પર રહેલી કરુણા અને કરૂણતાની કદાચ અજાણતા જ ક્રુર મજાક થઇ જાય તો ?

છતાં ખાત્રી સાથે એટલું તો લખીશ હવે ગુજરાતીઓ ગૌરવના ફક્ત ગીતો ગાવામાં જ સમજે છે … આજૂ અને બાજૂના માત્ર અન્ય બે અજાણ્યા જરૂરતમંદ ગુજરાતીઓનું ગૌરવ જાળવવામાં ય પાછા પડે છે.

ગુજરાત ગામડાના ખેતરોમાં વીજળી અને ખેતમજૂર વગર મરી રહ્યું છે … અને મોટા શહેરોમાં પશ્ચિમી વાયરે પીંખાઇ રહ્યું છે.

અહિ ઇન્ટરનેટ પર માનવતાયુક્ત, પ્રેરણાદાયી વીચારો, કવિતાઓ, ગઝલો, લેખ, વાર્તા લખનારાઓને એક જ વિનંતી કે,

દર મહિને ફક્ત એક જ દિવસ ઇન્ટરનેટથી દૂર રહીને સાચુકલા ગુજરાતી પાસે જઇને ગુજરાતીમાં શ્વાસ લો … એને એના કામમાં સહયોગ આપો …

ગુજરાતી આપોઆપ જીવી જશે. … તમ બંન્નેમાં.

મને સાથે રાખશો તો અનહદ આનંદ થશે … એક સાથે.

ચાલોને, લખવા–બોલવા ઉપરાંત પણ કંઇક એવું કરીએ જે કરવાનું વારંવાર મન થાય.

અખિલ.

તા.ક : દરસપ્તાહે હવે અમારા ફિલ્મ શો ગ્રામ્યવિસ્તારના ગુજરાતીઓ સુધી લઇ જઇએ છીએ.

Advertisements

કેવું રાષ્ટ્ર ?

Posted in મંદ on એપ્રિલ 23, 2010 by અખિલ સુતરીઆ

આપણે એવા રાષ્ટ્રમાં રહીએ છીએ કે જયાં,

તમારા ફોન કર્યા બાદ એમ્બયુલન્સ કે પોલિસ કરતાંય ઝડપથી પીઝા પહોંચી શકે છે.

એજયુકેશન લોન 12 % અને કાર લોન 5 % ના દરે ઉપલબ્ધ છે.

ચોખા ચાલિસ રૂપિયે કિલો અને સેલફોનનું સીમ તદ્દન મફત મળે છે.

પૈસાદાર કે અમીર વ્યક્તિ અબજો રૂપિયામાં ક્રિકેટ ટીમ ખરીદે છે પણ જરૂરતમંદ લોકો માટે તેમની સંપત્તિનો ઉપયોગ કરતો નથી.

પ્રત્યેક વ્યક્તિને મશહુર થવું છે પણ તે માટે આવશ્યક ‘પરસેવો’ પાડવો નથી.

સવારે ચાની રેકડી પર બાળમજૂરી વિરોધી લેખ વાંચીને બોલશે કે, બાળમજૂરી કરાવનારાઓને તો ફાંસી દેવી જોઇએ અને પછી તરત કહેશે, અબે .. છોટુ, ચાય જલ્દી લાય ને !!

ઇન્ડીયા શાઇનિંગ કે વાઇબ્રન્ટ ગુજરાત કે વહાલું વલસાડ !!!

કાગડા બધે …

હવે બોલો .. ભારત કોનો દેશ છે ?

જો આપણો તો જાતને સવાલ પૂછો કેમ અને શા માટે આ બધું આપણે ચલાવીએ છીએ ?

કદાચ તમે ‘જીવતા’ હશો તો જવાબ મળશે કે, ‘નપુંસકતા’ નો હુમલો થયો છે.

કોઇ નિડરતા કે નિર્ભયતાના ઇન્જેક્શનની જરૂર જણાય છે ?

અમે સીસ્ટમની અંદર જઇને સીસ્ટમનો પરિચય મેળવીને આવનારી પેઢીને આવા જ નિડરતા કે નિર્ભયતાના ઇન્જેક્શન આપવાનું કામ હાથ પર લીધું છે કે જેથી વર્તમાન બદલીને ભવિષ્ય જેવું જોઇએ છે તેવું બનાવી શકાય.

અમને હવે જરૂર છે,

તમારા સમય અથવા સગવડ અથવા સંપર્ક અથવા શક્તિ અથવા સંપત્તિ અથવા સહયોગ અથવા સલાહ અથવા સૂચન અથવા સાચુકલો સાથ !!

બોલો શું આપવાનો ઇરાદો છે ?

મને વાંધો છે.

Posted in મંદ on એપ્રિલ 22, 2010 by અખિલ સુતરીઆ

તમે બ્લોગર છો ? મને વાંધો નથી.

તમે લેખક છો ? મને વાંધો નથી.

તમે કવિ છો ? મને વાંધો નથી.

તમે વાચક છો ? મને વાંધો નથી.

તમે બ્લોગ જગત કે દુનિયામાંમા નવા નવા છો ? મને વાંધો નથી.

તમે બ્લોગ જગત કે દુનિયામાં ઘરડા થઇ ગયા છો ? મને વાંધો નથી.

તમે કોપી પેસ્ટર છો ? મને વાંધો નથી.

તમે કોકનું લખેલું નો ઉતારો કરો છો ? મને વાંધો નથી.

તમે બીજા શું કરે છે નું ધ્યાન રાખો છો ? મને વાંધો નથી.

તમે બ્લોગરોના જૂથને કે ગુજરાતીઓના જૂથને મોડરેટ કરો છો ? મને વાંધો નથી.

તમારા ગૃપમાં તમારા નિયમોનું ચૂસ્ત પણે પાલન કરાવો છો ? મને વાંધો નથી.

તમે જૂથબંધીમાં માનો છો ? મને વાંધો નથી.

તમે સાર્થવાળા છો ? મને વાંધો નથી.

તમે ઊંઝાવાળા છો ? મને વાંધો નથી.

તમે ચોવીસેય કલાક બ્લોગિંગ કરો છો ? મને વાંધો નથી.

પણ,

તમે મને તમારા લેખ, કવિતા, રચનાની ‘જાહેરાત’ મોકલીને

તમારા બ્લોગ પર પધારવાનું ’આમંત્રણ’ મોકલશો તો,

અને એ પણ મારી અનુમતિ વગર

તો

મને વાંધો છે.

આવુ કરનારને મારા બ્લેક લીસ્ટમાં મૂકીશ.

આ બ્લેક લીસ્ટ મારા બ્લોગ

અંતરના ઊંડાણ [ www.akhilsutaria.wordpress.com ]

પર પ્રસિધ્ધ / પ્રકાશીત કરી દીધું છે.

આશા રાખું છું કે તમે એવું તો નહિ જ કરો કે મારે તમને બ્લેકલીસ્ટ કરવા પડે.

અખિલ સુતરીઆ.

બ્લોગ અને બ્લોગિંગ દ્વારા …

Posted in મંદ on એપ્રિલ 21, 2010 by અખિલ સુતરીઆ

બ્લોગ અને બ્લોગિંગ દ્વારા …

અપરિચિત સાથે સંબંધ બાંધવા,

અક્ષરોમાં મુલાયમ વીચાર શબ્દોથી સજવા,

પોતાના કે પારકા સામે .. ઘણું ખરું ‘અંગત’ ઢાંકવા,

રોજે રોજ, શક્તિશાળી વીચારોને અશકત વાક્યોમાં કેદ કરી,

‘સાહિત્ય’ની સેવા કે સર્જન કરવાનો દાવો માંડતા,

ઇન્ટરનેટના આ આભાસી (મિત્ર)વર્તુળમાં દરરોજ ધકેલતા,

ડીલીવરી ‘ચલન’ની પાછળને પાછળ કોમેન્ટ માટે ‘ઇનવોઇસ’ મોકલતા,

સવારથી સાંજ સુધી પ્રસંશાનું ‘પેમેન્ટ’ મેળવવા તલપાપડ થતાં,

સદા તૈયાર રહેતા,

મારા, તારા અને આપણાઓની પ્રસંશામાં ધબકતાં,

ગુજરાતી બ્લોગીંગ સાથે સંકળાયેલા,

અગણિત ( મે ગણ્યા નથી માટે ) બ્લોગરોમાંથી,

જે લોકો જાણે છે તે સૌ જાણે જ છે,

જેણે જાણવું જ નથી તે કદી જાણવાના જ નથી;

જે સારું લાગે છે તે કદાચ સાચું હોતું નથી,

જે સાચું છે તે સારું લાગતું નથી.

પણ,

એક સાચી વાત એ છે કે,

માત્ર એક જ,

હા એક જ … બ્લોગર જણાવે છે,

એક જ ફકરામાં લખે છે,

માનવ જીવનના મૂળભૂત મૂલ્યો.

www.akhilsutaria.wordpress.com

શું માનો છો ?

Posted in મંદ on એપ્રિલ 7, 2010 by અખિલ સુતરીઆ

ઇન્ટરનેટ પર એન્ટર અને એસ્કેપ વચ્ચે,

ઇમેઇલ અને બ્લોગ પર,

આમથી તેમ અફળાયા કરતાં અક્ષરો,

અમલ સ્વરૂપે જન્મ લઇ ન શકનારા વીચારો,

ધીમે ધીમે વ્યવહારોમાં ઉકરડો તો નથી બની જતાં ને ?

શું માનો છો ?

તેજાબના ટીપાં

Posted in મંદ on માર્ચ 23, 2010 by અખિલ સુતરીઆ

સડક પર ચાલતી

સામાન્ય મહિલા કે યુવતી પાસે

કાને પડતા કે સંભળાતા

સભ્યની સાથે સાથે

અસભ્ય શબ્દો

તેમજ

નજરે ચડતા

અભદ્ર્ વર્તન કરનારની

સાન ઠેકાણે લાવવા ..

કેવો તેજાબ જોઇએ ?

નટવરભાઇ ચરનિયાને

Posted in મંદ with tags , , , on જાન્યુઆરી 7, 2009 by અખિલ સુતરીઆ

નટવરભાઇ,

આવું વાંચીને પછી આગળ શું ?

રોજ સલાહ આપનારા લોકોનો અહિ તોટો નથી.

કામ કરવા વાળા કે કામમાં સહયોગ આપનારા લોકો જલ્દી મળતા નથી.

પણ આપણે …

કામમાં લઇ શકાય તેવો આઇડીયા મળે એટલે કામ શરૂ કરી દેવાનું.

આપણી પહોંચ બહારની વાતમાં પડીને દુઃખી નહિ થવાનું.

આપણાથી થાય તેટલું સ્વાવલંબી થઇને જ કર્યે જવાનું …. બીજા પર મદાર રાખવામાં મજા નથી.

કોણે શું કરવું જોઇએ … કહેતા પહેલા મારે (પોતે) શું કરવાનું છે તે જાતને પૂછી લેવાનું.

બરાબરને ??

છાપાના કટારલેખકોને તો કોલમ સે.મી.ના રૂપિયા મળે એટલે લખે.

ટીવી સીરીયલોમાં કલાકારોને રડવાના રૂપિયા મળે એટલે રડે.

ક્રિકેટરોને રમવાના રૂપિયા મળે એટલે રમે.

તમે તેમને લખવા, રડવા કે રમવા સિવાયનું કોઇ કામ રાષ્ટ્ર માટે કરતાં જોયા છે ??

દેશને માટે .. સ્વદેશી થઇને સ્વમાન સાથે જીવવાની હિંમત બાપના વિર્યમાંથી અને માના ગર્ભાશયમાંથી મળતી હોય તેવું મને લાગે છે.

તમને થતી વેદના માટે મને કોઇ સહાનુભુતિ નથી. તમારા શબ્દોમાં રહેલી લાચારી પર મને ગુસ્સો આવે છે. તમારા જેવો સેન્સીટીવ વ્યક્તિ ઇન્ટરનેટ પર આવી ચર્ચામાંથી મુદ્દો લઇને સીસ્ટમની સામે થઇ જવો જોઇએ નહિ કે અર્થ વગરની ચોળીને ચીકણું કરતી ચર્ચા લાંબી કરે.

મારી મદદની જરૂર હોય તો હવે ફોન કરજો … ૦ ૯૪૨૭૨૨૨૭૭૭.